નામનો પત્થર

એક શેઠ મહાદાની હતા. અનેક વેપાર ધંધાના માલિક એવા શેઠ પાસે અનેક ઓફિસો, કાર, બંગલા તેમજ દરેક પ્રકારની જાહોજલાલી હતી. શેઠે તેમની સંપતિ અને ઓળખાણોનો તેમની સામાજીક પ્રતિષ્ઠા વધારવામાં ભરપૂર ઉપયોગ કર્યો. તેમના ઘરે મદદની આશથી આવતો કોઈપણ વ્યક્તિ નીરાશ થઈને ન જતો. પછી તે કોઈ સામાજીક કાર્યકર્તા હોય, કોઈ ધાર્મિક સંસ્થાનો ટ્રસ્ટી હોય કે પછી ચૂંટણી પ્રચાર માટે ભંડોળ ભેગું કરી રહેલો કોઈ રાજકારણી. પોતાના ખજાનામાંથી તેઓ રોજ વીસ-પચીસ લોકોના અટકેલા કામો પાર પાડતા.

એક દિવસ અચાનક જ શેઠજીએ આ સંસારમાંથી વિદાય લીધી. પરલોકમાં તેમને યમરાજના દરબારમાં રજૂ કરવામાં આવ્યા અને તેમના પાપ પુણ્યનો હિસાબ કરવામાં આવ્યો. શેઠજી કોઈ મંત્રી તેની પસંદગીની જગ્યાએથી ચૂંટણી લડી રહ્યો હોય તેમ પોતે નિશ્વીતપણે સ્વર્ગલોકમાં જશે એમ માની રહ્યા હતા. પરંતુ પરિણામ આવતા શેઠજી આશ્વર્યચકિત થઈ ગયા. કારણ કે તેમને નરકમાં જવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગુસ્સે ભરાયેલા શેઠે તેમના પાપ પુણ્યના હિસાબની જાતે તપાસ કરવાની માંગણી કરી. શેઠની માંગણી સ્વીકારી લેવાઈ. થોડી જ વારમાં વિજયી મુદ્રામાં શેઠજીએ કહ્યું કે તેમના શાળા નિર્માણ, ધર્મશાળા, પાણીની પરબ વગેરે જેવા સામાજીક સેવા કાર્યો તેમના ખાતામાં દર્શાવાયા નથી. આટલું કહીને તેમણે યમરાજ સમક્ષ ભૂલ સુધારીને માફી માંગવાની માંગણી કરી.

યમરાજે હંસતા હંસતા કહ્યું કે તમે ચોક્કસપણે પૃથ્વીલોકમાં તમે કહ્યા તે બધા જ કામ કર્યા હતા. પણ જેવો તેમાં તમારા નામનો પથ્થર લગાવ્યો કે તમારૂં પુણ્ય તે લોકમાં જ ભળી ગયું. તમે પુણ્ય પણ કરતા રહ્યા અને પ્રસિદ્ધિ પણ મેળવતા રહ્યા. હવે એક જ પુણ્યની એન્ટ્રી મૃત્યુલોક અને યમલોક એમ બે સ્થાનોએ કઈ રીતે થઈ શકે ? અમારે ત્યાં તો એ જ પુણ્ય નોંધાય છે જેનું ફળ મૃ્ત્યુલોકમાં મેળવવામાં ન આવ્યું હોય અને પાપ પણ એ જ નોંધાય છે જેની સજા નીચેની અદાલતમાં ન થઈ હોય. તેથી તમારે અમારા હિસાબને માનવો પડશે. પૃથ્વી પર તો તમને તમારા સારા કાર્યો માટે યાદ કરાશે જ.

Post a Comment

0 Comments