અસ્વીકાર

પ્લેટફોર્મ નંબર ચાર પર શહીદ એક્સપ્રેસ ટૂંક સમયમાં જ આવી રહી હોવાની જાહેરાત થઈ ચૂકી હતી. જાહેરાત સાંભળતા જ શહીદ એક્સપ્રેસના પ્રવાસીઓ પોતપોતાનો સામાન લઈને ટ્રેનમાં ચઢવાની તૈયારીઓ કરવા લાગ્યા. તે વખતે જ અપંગ ભિખારી ઘસડાતો ઘસડાતો મારી પાસે આવી પહોંચ્યો.

"ભાઈ આ ગરીબ પર દયા કરો... ભગવાન તમારૂં...."

મેં તેને ધ્યાનથી જોયો. તેનો એક પગ કપાયેલો હતો. તે ઘોડીના સહારે પણ મુશ્કેલીપૂર્વક ચાલી શકતો હતો. તેના ગંદા શરીર પર મેલાઘેલા કપડા હતા. માથા અને ચહેરા પર વાળોનું જંગલ, પીળા પીળા દાંત અને હાથમાં એલ્યુમિનીયમનો વાડકો. આ બધુ જોઈને મારૂં મન દ્રવી ઉઠ્યું. બિચારો કેવી દશામાં પેટ ભરવા માટે ભટકી રહ્યો છે. બે-ચાર રૂપિયાથી તેનું શું ભલું થશે. હું તેને એક પચાસની નોટ આપી દઉ. ઓછામાં ઓછા એક દિવસ માટે તો તેનું પેટ ભરાશે. આ વિચારીને મેં ખીસ્સામાંથી પચાસની નોટ કાઢીને તેના હાથમાં મૂકી. ત્યારબાદ હું તેની પ્રતિક્રિયા નીહાળવા લાગ્યો.

જો કે તેની પ્રતિક્રિયાથી હું વિચલિત થઈ ગયો. તેણે બે ત્રણ વખત તે નોટની ચકાસણી કરી અને પછી નોટ હવામાં ઉછાળતા બોલ્યો કે, "શું ભાઈ, મને આંધળો સમજો છો ? આ નકલી નોટ બીજે ક્યાંક ચલાવજો..."

હું આશ્વર્યચકિત થઈને ભિખારીના ચહેરાને અને નોટને નીહાળવા લાગ્યો.

Post a Comment

0 Comments