ઝીટકૂ-મિટકી : આદિવાસી પ્રેમ યુગલની પ્રણયગાથા

અત્યાર સુધી પ્રેમમાં માત્ર હીર-રાંજા, રોમિયો- જુલિયટ અને સોહણી-મહિવાલના કિસ્સાઓની દુહાઈ આપવામાં આવતી હતી. ત્યાં સુધી કે પ્રેમી યુગલો પણ તેમને જ પોતાના આદર્શ માનીને પ્રેમના સમુદ્રમાં ડૂબકીઓ મારતા રહયાં છે. છતીસગઢના આદીવાસી બહુમતી ધરાવતા બસ્તરના દૂરના આદીવાસી વિસ્તારના યુવાનો પણ આવા જ એક પ્રેમી યુગલને પોતાના આદર્શ માને છે, જેઓએ પ્રેમ માટે પોતાના પ્રાણોના બલીદાન આપ્યાં. જી હા, આદીવાસીઓના આદર્શ પ્રેમી યુગલ ઝીટકૂ-મિટકી છે, જેઓએ પોતાના સાચા પ્રેમ અર્થે કેટલાય વર્ષો પહેલા પોતાના જીવની આહૂતી આપી હતી.

ત્યારથી આજદિન સુધી અહીંના લોકો આ જોડીને દેવી-દેવતાની જેમ પુજે છે. પ્રેમની ખુમારી માત્ર હાઈ સોસાયટી અથવા પછી મોટા શહેરોમાં જ નહી, પરંતુ આદીવાસી વિસ્તારોમાં પણ બખુબી જોઈ શકાય છે. આજે ભલે પ્રેમનો સંદેશો આપનારા સંત વેલેંટાઈનના જન્મદિનને શહેરોમા જોરોશોરથી ઉજવાની પરંપરા ચલણમાં આવી હોય, પરંતુ આદીવાસીઓના આવા કિસ્સાઓ અવગણી શકાય તેમ નથી. આદીવાસીઓમાં પ્રેમ માટે પ્રાણ ત્યજવાની ઉદાર પરંપરા સદીઓથી ચાલી આવી છે. તેનું ઉદાહરણ 'ઝીટકૂ-મિટકી'ની પૂજા દ્વારા મળે છે.

ઝીટકૂ-મિટકીની જાણીતી પ્રણય કથા બસ્તર જિલ્લાના વિકાસખંડ વિશ્રામપુરીના પેડ્રાવન ગામની છે. કથા અનુસાર ગોંડ આદીવાસીનો એક ખેડૂત પેંડ્રાવનમાં રહેતો હતો. તેને સાત પુત્રો અને એક મિટકી નામની પુત્રી હતી. સાત ભાઈઓ વચ્ચે એકની એક બહેન હોવાના કારણે બધા ભાઈઓ તેને પુષ્કળ ચાહતા હતાં. બધાને હંમેશા એક જ વાતની ચિંતા રહેતી કે, પોતાની લાડકી બહેન જયારે પરણીને પોતાના પતિના ઘરે જશે ત્યારે તેઓ તેના વગર કેવી રીતે રહી શકશે. આ કારણે ભાઈઓએ એક એવા વ્યક્તિની શોધ આરંભી, જે લગ્ન પછી પણ તેમના ઘરે રહી શકે. વર તરીકે તેમને ઝીટકૂ મળ્યો, જે ભાઈઓની સાથે કામમાં મદદ કરી તે જ ઘરમાં રહેવા માટે તૈયાર થઈ ગયો.

ગામ નજીક એક નાળું વહેતું હતું, જયાં સાતેય ભાઈઓ અને ઝીટકૂ પાણીના વહેણને રોકવા માટે એક નાનો એવો બંધ બાધવાના પ્રયાસમાં લાગ્યાં હતાં. દિવસમાં તેઓ બંધનુ કામ કરતા હતાં અને રાત્રે ઘરે પરત ફરતા હતાં, પરંતુ દરેક રાત્રે પાણી બંધની માટીને તોડી નાખતું અને તેમનો પ્રયાસ વ્યર્થ જતો હતો. એક રાત્રે એક ભાઈએ સ્વપ્નમાં જોયું કે આ કાર્ય પૂર્ણ કરવા માટે દેવી મા બલી ઈચ્છે છે. અંધવિશ્વાસના લીધે તેઓ બલી માટે તૈયાર થઈ ગયા અને બલી માટે તેઓએ ઝીટકૂને પસંદ કર્યો. એક રાત્રે તેઓએ એ બંધની નજીક જ ઝીટકૂની હત્યા કરી નાખી. બહેનને જયારે આ વાતની જાણ થઈ તો તેણે પણ ઝીટકૂના વિયોગમાં બંધમાં કૂદીને પોતાનું આયખું ટુકાવ્યું, આ બલીદાનની કથા જંગલના દાવાનળની માફક બધા ગામોમાં ફેલાઈ ગઈ.

આ પ્રેમ અને બલીદાનથી પ્રભાવિત થઈને ગ્રામિણ આદીવાસીઓ ઝીટકૂ અને મિટકીની પુજા કરવા લાગ્યાં. આજે આ આદીવાસીઓ પ્રેમની સફળતા માટે ઝીટકૂ-મિટકીની પૂજાને સાચી માને છે. તેઓનું કહેવું છે કે, અહીં પુજા કર્યા બાદ કોઈ પણ પ્રેમી-પ્રેમિકાનુ સપનું અધુરુ રહેતું નથી. રાષ્ટ્ર્પતિ ડો.એ.પી.જે અબ્દુલ કલામના બસ્તરના પ્રવાસ દરમિયાન રાજ્યપાલ શ્રી કે.એમ.શેઠે તેમને આ સુપ્રસિધ્ધ પ્રેમકથાના નાયક-નાયિકાની પ્રતિમા ભેટ સ્વરૂપે આપી હતી. તેમના જણાવ્યાનુસાર સદીઓ પછી આજના આધુનિક યુગમાં ઝીટકૂ-મિટકીની ખ્યાતિ બસ્તરના દૂર દૂર સુધીના ગામોથી દેશની રાજધાની સુધી ફેલાઈ ચૂકી છે.

Post a Comment

0 Comments