લૂંટ

"જૂના છાપાની પસ્તીનો શું ભાવ છે ભાઈ?" રસ્તા પરથી પસાર થઈ રહેલા જૂનો સામાન અને પસ્તી ખરીદનારા વ્યક્તિનો અવાજ સાંભળીન મેડમે બૂમ પાડી.

"ચાર રૂપિયા કિલો મેડમ." લારીવાળાએ કહ્યું.

"આ તો લૂંટ જેવું થયું. શોપિંગ મોલમાં તો કિલોના પચ્ચીસ રૂપિયા આપે છે અને બદલામાં ડિસ્કાઉન્ટ કૂપન પણ આપે છે."

"બહેન, ત્યાંથી તમે જે કંઈ ખરીદો છો તેના માટે ચાર ગણી વધારે કિંમત પણ ચૂકવો છો ને. અમારે તો ઘર પણ ચલાવવાનું છે અને બાળકો પણ મોટા કરવાના છે. જૂઠ્ઠુ નહી બોલીએ. એક કિલો પસ્તી પર માત્ર પચાસ પૈસા મળે છે." પસ્તીવાળાએ કહ્યું.

"તો જવા દો ભાઈ, હાલ પસ્તી નથી."

સાંજે મેડમ પચીસ કિલો પસ્તી કારમાં ભરીને એક શોપીંગમાં વેચી આવ્યા. પણ ત્યાં જતા આવતા એક લીટર પેટ્રોલ બળી ગયું તેનો વિચાર માત્ર પણ ન કર્યો. પસ્તી વેચવા ગયેલા મેડમ ચાર હજાર રૂપિયાનો સામાન પણ ખરીદી લાવ્યા. એવો સામાન, જેની હાલ કોઈ જ જરૂર નહોતી !

મેડમને એ વાત સાથે કોઈ જ લેવાદેવા નહોતા કે પોતાની જરૂરીયાતો પૂરી કરવા માટે પસ્તીવાળાએ આખો દિવસ ન જાણે કેટલા ગલી મહોલ્લામાં ભટકવું પડતું હશે.

બીજા દિવસે કિટી પાર્ટીમાં તેમની બહેનપણીઓને મેડમ ગર્વથી કઈ રીતે ગઈ કાલે તેમણે ફાયદાનો સોદો કરીને બજાર લૂંટી લીધું તે જણાવી રહ્યા હતા !

Post a Comment

0 Comments