ચોટલાવાળી

.

વાતને આજે વીસ વરસ થઈ ગયા. સંવત 1955ની સાલમાં મોતી શેઠ નામે રાનપુરનોં એક વાણીયો નાગકડાની વાટે ગોળ લેવા આવેલો.તે દિ તેણે આ પ્રમાણેં અક્ષરે અક્ષર વાત કરી:

આપા થોડા મહીનાં અગાઉ હું નાગનેશ ઉઘરાણીએ ગયેલો. સાંજ પડ્યે ઉઘરાણીનાં રૂપિયા વીસ મારાં ખીસ્સામાં નાંખીને મેં પાછા વળવાનું પરિયાણ કર્યું. ચોરે બેઠેલા ચુંવાળીયા કોળીઓએ રૂપિયા વીસ મારા ખીસ્સામાં પડતા જોયા.

હું બહાર નીકળ્યો. મેં પગ ઉપાડ્યા. મંડ્યો ઝટ ભાગવા. એમાં વાંસેથી હાકલા પડ્યા: "ઉભો રે! ઉભો રે!"

ભાઈ, મેં પછવાડે જોયું. ચુંવાળીયાને દેખ્યા. મારા પ્રાણ ઉડી ગયા. હું ભાગ્યો. મારે મોઢે લોટ ઉડતો આવે, પાઘડીનાં આંટા ગળામાં પડતા આવે, અને બે હાથ કાછડી ઝાલીને હું ભાગતો આવું છું, વાંસેથી "ઉભો રે! એલા, ઉભો રે!" એવા દેકારા થતા આવે. દેકારા સાંભળતા જ માંરા ગૂડા ભાંગી પડ્યા.

સામે જોઉ ત્યાં નદીને કાંઠે ઢુંકડુ એક વેલડું છુટેલું. કોઈક આદમી હશે! હું પાસે દોડ્યો, પાસે પહોંચું ત્યાં તો બીજું કોઈ નહીં! એક રાજપુતાણી: ભરપુર જુવાની: એકલી: કૂંપામાંથી ધુપેલ કાઢીને માંથાની લાંબી લાંબી વેણી ઓળે.

ભફ દેતો હું એ જોગ માયાને પગે પડી ગયો. મારા કોઠામાં શ્વાસ સમાંતો નહોતો.

"એલા પણ છે શું" બાઈએ પુછ્યું.
" માવડી મને ચુંવાળીયા લુંટે છે, તમનેય હમણે..."

મારો સાદ ફાટી ગયો. બાઈનાં ડીલ માંથે સુંડલો એક સોનું: વેલડામાં લુંગડા લત્તાંની પેટી. આજુબાજુ ઉજ્જડ વગડો. કાળા માથાનું માનવીય ન દેખાય. આમાં બાઈની શી વલે થાશે? મારો પ્રાણ ફફડી ઉઠ્યો." કોણ? બાપડા ચુંવાળીયા લૂંટે છે?" મોં મલકાવીને બાઈએ પુછ્યું. " માતાજી ! આ હાલ્યા આવે!" ચુંવાળીયા દેખાણા.પંદર લાકડીયાળા જુવાન.

આપાઓ! નજરોનજર નીરખ્યું છે. અંબોડો વાળીને રાજપુતાણી ઉભી થઈ. વેલડાનાં હેઠાલા ઝાંતરમાંથી એક કાટેલી તલવાર કાઢી. હાથમાં તલવાર લઈને ઉભી થઈ. અને ચુંવાળીયા ઢુંકડા આવ્યા ત્યાં તો એણે ત્રાડ મારી: "હાલ્યા આવો, જેની જણનારીએ સવા શેર સૂંઠ્ય ખાધી હોય ઈ હાલ્યા આવો."

ચુંવાળીયા થંભી ગયા. સહુ વીલે મોંઢે એકબીજાની સામું જોવા મંડ્યા.લોચા વળતી જીભે એક જણે જવાબ દિધો: " પણ અમાંરે તો આ નદીમાં પાણી પીવું છે. વાણીયો તો અમથો અમથો ભેમાં ભાગે છે."

"પી લ્યો પાણી!" રાજેશ્ર્વરી બાઈએ આજ્ઞા દીધી.

ચુંવાળીયા પાણી પી ને ચાલ્યા ગયા. પાછી વાળીને મીટ માંડવાનીય કોઈની છાતી ન ચાલી. દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તલવાર પાછી ગાડાનાં ઝાંતરમાં મેલી દીધી.

"બહેન!" મેં કહ્યું: " મારી સાથે રાણપુર હાલો. એક રાત રહીને માંરૂ ઘર પાવન કરો."

" ના, બાપ, મારાથી અવાય નહીં. હું મારી સાસરે જાઉં છું,"

ખિસ્સા માંથી આઠ રૂપિયા કાઢીને હું બોલ્યો: "બહેન, આ ગરીબ ભાઈનું કપડું!"

" મારે ખપે નહીં!"

એણે ગાડાખેડુને જગાડ્યો. વેલડામાં બેસીને એ ચાલી નીકળી: કચ્છની એ દીકરી અડવાળ ગામ પરણાવેલી એટલું જ મને યાદ રહ્યું છે. નામઠામ ભુલાણાં છે. પણ એ ચોટલાવાળીનું મોઢું તો નિરંતર મારી નજરે જ તરે છે.

Post a Comment

0 Comments